-
Posted by
govabhai ahir January 1, 2024 -
Filed in
Other
-
#krime
-
229 views
ખેડા જિલ્લાના ચકચારી સિરપકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, યોગેશ સિંધિના સાળાના એકાઉન્ટમાં નાણાંકીય લેવડ-દેવડ
રાજ્યમાં ચકચાર જગાવનારા સિરપ કાંડમાં પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી છે. આ વખતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મુખ્ય સૂત્રધાર યોગેશ સિંધિના સાળાની અટકાયત કરી છે. યોગેશ સિંધિ જે ઇથેનોલ કેમિકલ મંગાવતો હતો, તેનું ચુકવણુ તેના સાળાના બેંક એકાઉન્ટ મારફતે થતું હોવાનું પોલીસ તપાસમાં ખુલતા તેની અટકાયત કરાઈ છે.
મળતી વિગતો મુજબ નડિયાદના બિલોદરા ગામમાં દેવદિવાળીની માંડવીમાં એક ઇથેનોલ યુક્ત આયુર્વેદિક સિરપ મેઘાસવા પીવાથી ૭ લોકોએ જીવ ગુમાવ્યા ની ઘટના પ્રકાશમાં આવી હતી. જેના પગલે રાજ્યભરમાં હાહાકાર મચી હતી. આ મામલે અત્યાર સુધી પોલીસે કુલ ૭ આરોપીઓની નડિયાદ અને રાજ્ય સહિત અન્ય રાજ્યમાંથી ધરપકડ કરી હતી. આ વચ્ચે હવે આ સમગ્ર કાંડના મુખ્ય સૂત્રધાર યોગેશ સિંધિના સાળા ગોપીચંદ સામતાણીને પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ યોગેશ જે ઈથેનોલનો જથ્થો મંગાવતો હતો, તે ઈથેનોલના જથ્થાનું નાણાકીય ચૂકવણુ તેના સાળા ગોપીચંદ સામતાણીના બેંક એકાઉન્ટથી કરાતુ હતુ. જેની વિગત પોલીસના હાથે લાગી હતી. જેથી પોલીસે સમગ્ર મામલે ગોપીચંદ સામતાણીની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે એસ.ઓ.જી. પી.આઈ. ડી.એન.ચુડાસમા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ૩ દિવસના રીમાન્ડ મળ્યા છે.જેથી હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. હવે આ પૂછપરછના અંતે પોલીસ અન્ય કોઈ મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ છે. આવતીકાલે સોમવારે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે.યોગેશ સિંધિ નડિયાદના ગ્રામ્ય વિસ્તારોમાં તેના ૨ ગોડાઉનમાં સીરપ નું ઉત્પાદન કરી તેનું કરીયાણાની દુકાનો સહિતના કેટલાક ચોક્કસ એકમો પર વેચાણ કરતો હતો, તેમજ આ સિરપ બનાવવા માટે તે મહારાષ્ટ્ર અને વડોદરા જેવી જગ્યાઓથી ઈથેનોલનો જથ્થો લાવતો હતો. તેમજ તેની સાથે ટેકનીકલ જાણકાર રાજદીપ વાળા પણ સિરપ બનાવવામાં મદદરૂપ થતો હતો. આ સમગ્ર મામલે બિલોદરા માં સિરપ પીધા બાદ ૭ના મોત થતા મામલો ગરમાયો હતો અને તપાસની ધમધમાટીમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે.
Patan live news GJ 24
Govabhai p ahir